૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦, રામકૃષ્ણદેવ(ઠાકુર)ની ૧૭૫મી જન્મજયંતી હતી.

શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામના નિર્ધન પણ સત્યનિષ્ઠ અને ઈશ્વરપરાયણ બ્રાહ્ણ શ્રી ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ત્યાં ઈ.સ. ૧૮૩૬ ની ૧૮મી ફેબ્રુઆરી, વિક્રમસંવત ૧૮૯૨ ની ફાગણ સુદ બીજને બુધવારે થયો હતો.

રામકૃષ્ણદેવ તેમના મોટાભાઇ રામકુમારની સાથે દક્ષિણેશ્વર આવ્યા. ત્યાં તેમને કાલી-માતાના પૂજારી તરીકે કામ કરવાનું હતું. અહીં તેમણે બધા જ ધર્મોની સાધના કરવાનું નક્કી કર્યું. કોઇપણ ગુરુ પાસે વિધિવત્ સાધના શીખ્યા વગર પોતાની જાતે જ ૧૨ વર્ષ સાધના કરી. આ ૧૨ વર્ષમાં તેમણે દરેક ધર્મના સર્વોચ્ચ આદર્શની અનુભૂતિ કરી હતી.કોઇપણ મહાપુરુષે બધા જ ધર્મોની સાધના એક જ જિંદગીમાં, ૧૨ વર્ષમાં કરી હોય તેનું આ અજોડ ઉદાહરણ છે.

રામકૃષ્ણદેવનાં લગ્ન શારદામણિદેવી સાથે થયાં હતાં. પોતે ૧૨ વર્ષ કરેલી સાધનાનું ફળ તેમનાં ચરણે અર્પણ કરેલું.તેમની મહાસમાધિ પછી ૩૦ વર્ષ સુધી મા શારદાએ તેમનાં અધૂરાં કામ પૂરાં કર્યા અને અનેક ભકતોને આઘ્યાત્મિક માર્ગદર્શન આપ્યું તથા રામકૃષ્ણ મિશનને સાચી દિશામાં દોરવણી આપી.

તેમને મા કાલીના પૂજારી તરીકેની કામગીરી આપવામાં આવેલી. ત્યારે તેઓએ વિચાર્યું કે, આ મૂર્તિ મૃણમયી છે કે ચિન્મયી ? મા ખરેખર મૂર્તિમાં જીવંત છે કે મૂર્તિ માત્ર પથ્થરની બનેલી છે તે જોવા માટે તેમણે વ્યાકુળતાથી રુદન કરીને માને પ્રાર્થના કરી કે, ‘હે મા, દર્શન કેમ દેતાં નથી ? જો દર્શન નહીં દો તો હું જીવન ટૂંકાવી નાખીશ.’આમ, દરરોજ કંઈ પણ ખોરાક લીધા વગર વ્યાકુળતાથી રડતાં. તેમનું મોં જમીન પર ઘસીને માને દર્શન માટે વિનવણી કરતાં. તે એટલે સુધી કે જે લોકો તેમને જોતા, તેમની આંખમાંથી પણ અશ્રુધારા વહી જતી. જેવો દિવસ પૂરો થાય કે માને કહેતાં કે આ દિવસ પણ નકામો જતો રહ્યો. એક દિવસ તેમણે ખરેખર જીવન ટૂંકાવવા માટે ખડગ ઉઠાવ્યું અને નિશ્ચય કર્યો કે, માનાં દર્શન ન થયાં તો હવે જીવવું નકામું છે. જેવું ખડગ માથા પર રાખ્યું કે મા કાલીનાં સાક્ષાત્ દર્શન થયાં.

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર , ૧૬ ઓગસ્ટ ૧૮૮૬ એ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.


શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે વધુ જાણવા માટે ક્લિક કરો

Leave a comment