શિવજીના બાર જ્યોતિર્લિંગ


સોમનાથ :


બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી  પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતં થયું.

મલ્લિકાર્જુન :

મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન  પડયું.

મહાકાલેશ્વર :

પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધામિક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધામિક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

ઓમકારેશ્વર :

નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે.અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞાો કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

કેદારનાથ :

ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં.જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

ભીમશંકર :


મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી  દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.

કાશીવિશ્વનાથ :

કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે.જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

ત્ર્યંબકેશ્વર :

ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક,શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

વૈદ્યનાથ :

મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

રામેશ્વરમ્ :  તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે  અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું  છે.

ધૃષ્ણેશ્વર. :

ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

નાગેશ્વર :

નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે.ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.

સ્ત્રોત } સંદેશ સમાચાર ,૨૨,જુલાઈ  ૨૦૦૯

શિવજીના વિવિધ નામ


વેદ, પુરાણમાં અને ઉપનિષદોમાં શિવજીના વિવિધ  નામ છે તેમાંથી કેટલાક નામ અહીં મુક્યા છે .

હર-હર મહાદેવ, રુદ્ર, શિવ, અંગીરાગુરુ, અંતક, અંડધર, અંબરીશ, અકંપ, અક્ષતવીર્ય, અક્ષમાલી, અઘોર, અચલેશ્વર, અજાતારિ, અજ્ઞેય, અતીન્દ્રિય, અત્રિ, અનઘ, અનિરુદ્ધ, અનેકલોચન, અપાનિધિ, અભિરામ, અભીરુ, અભદન, અમૃતેશ્વર, અમોઘ, અરિદમ, અરિષ્ટનેમિ, અર્ધેશ્વર, અર્ધનારીશ્વર, અર્હત, અષ્ટમૂર્તિ, અસ્થિમાલી, આત્રેય, આશુતોષ, ઇંદુભૂષણ, ઇંદુશેખર, ઇકંગ, ઈશાન, ઈશ્વર, ઉન્મત્તવેષ, ઉમાકાંત, ઉમાનાથ, ઉમેશ, ઉમાપતિ, ઉરગભૂષણ, ઊર્ધ્વરેતા, ઋતુધ્વજ, એકનયન, એકપાદ, એકલિંગ, એકાક્ષ, કપાલપાણિ, કમંડલુધર, કલાધર, કલ્પવૃક્ષ, કામરિપુ, કામારિ, કામેશ્વર, કાલકંઠ, કાલભૈરવ, કાશીનાથ, કૃત્તિવાસા, કેદારનાથ, કૈલાશનાથ, ક્રતુધ્વસી, ક્ષમાચાર, ગંગાધર, ગણનાથ, ગણેશ્વર, ગરલધર, ગિરિજાપતિ, ગિરીશ, ગોનર્દ, ચંદ્રેશ્વર, ચંદ્રમૌલિ, ચીરવાસા, જગદીશ, જટાધર, જટાશંકર, જમદગ્નિ, જ્યોતિર્મય, તરસ્વી, તારકેશ્વર, તીવ્રાનંદ, ત્રિચક્ષુ, ત્રિધામા, ત્રિપુરારિ, ત્રિયંબક, ત્રિલોકેશ, ત્ર્યંબક, દક્ષારિ, નંદિકેશ્વર, નંદીશ્વર, નટરાજ, નટેશ્વર, નાગભૂષણ, નિરંજન, નીલકંઠ, નીરજ, પરમેશ્વર, પૂર્ણેશ્વર, પિનાકપાણિ, પિંગલાક્ષ, પુરંદર, પશુપતિનાથ, પ્રથમેશ્વર, પ્રભાકર, પ્રલયંકર, ભોલેનાથ, બૈજનાથ, ભગાલી, ભદ્ર, ભસ્મશાયી, ભાલચંદ્ર, ભુવનેશ, ભૂતનાથ, ભૂતમહેશ્વર, ભોલાનાથ, મંગલેશ, મહાકાંત, મહાકાલ, મહાદેવ, મહારુદ્ર, મહાર્ણવ, મહાલિંગ, મહેશ, મહેશ્વર, મૃત્યુંજય, યજંત, યોગેશ્વર, લોહિતાશ્વ, વિધેશ, વિશ્વનાથ, વિશ્વેશ્વર, વિષકંઠ, વિષપાયી, વૃષકેતુ, વૈદ્યનાથ, શશાંક, શેખર, શશિધર, શારંગપાણિ, શિવશંભુ, સતીશ, સર્વલોકેશ્વર, સર્વેશ્વર, સહસ્રભુજ, સાઁબ, સારંગ, સિદ્ધનાથ, સિદ્ધીશ્વર, સુદર્શન, સુરર્ષભ, સુરેશ, હરિશર, હિરણ્ય, હુત સોમ, સૃત્વા, આદિ.

આભાર સ્ત્રોત } દીપકભાઈ વોરા

રુદ્રાક્ષ


ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર  નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે.રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રૂદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે.શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર અનેક જન્મોના ચક્રમાંથી મુકત થઇ મોક્ષ મેળવે છે. એક મુખી, દ્વિમુખી, અગિયારમુખી, ચૌદમુખી અને એકવીસ મુખી રુદ્રાક્ષ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે.રુદ્રાક્ષની કસોટી કરવામાં આવે છે. સાચો રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. ઊકળતા ઘીમાં ફાટી જતો નથી.કાચા દૂધમાં મૂકવામાં આવે તો દૂધ ફાટતું નથી.

હિમાલયના શિતપ્રદેશોમાં રુદ્રાક્ષનાં તાડ જેવાં લાંબા વૃક્ષો ઉગે છે. એમાં સંતરા જેવડાં ફળ આવે છે. આ ફળમાંનું બીજ એટલે રુદ્રાક્ષ.

એક મુખી રુદ્રાક્ષને ‘શિવ’ નામનો રુદ્રાક્ષ કહેવામાં આવે છે. દ્વિમુખી ‘ઉમાશંકર’, ત્રણ મુખીને ‘અગ્નિમુખ, ચાર મુખીને ‘બ્રહ્મા’, પાંચ મુખીને ‘શિવા’, છ મુખી રુદ્રાક્ષને ‘કાર્તિકેય’ કહે છે. સાતમુખીને ‘અન્નદાતા’, આઠમુખીને ‘શ્રીગણેશ’, નવમુખીને ‘ભૈરવ’, દસમુખીને ‘નારાયણ’ અને અગિયારમુખી રુદ્રાક્ષ ‘રુદ્ર’ ,બાર મુખીને ‘ભાસ્કર’ તેરમુખીને ‘વિશ્વ દેવા’, ચૌદમુખીને ‘હનુમાનજી’ સ્વરૂપ મનાય છે. પંદરમુખી ‘પશુપતિનાથ’, સોળમુખી ‘કાલ્બીમયા’ અને સત્તરમુખીને ‘વિશ્વકર્મા’ તેમજ અઢારમુખીને ‘પૃથ્વી’, ઓગણીસમુખીને ‘નારાયણ’, વીસમુખીને ‘બ્રહ્મ’ તથા એકવીસમુખી રુદ્રાક્ષને ‘કુબેર’ નામથી ઓળખવામાં આવે છે.

શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે

‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે

અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.

રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ. અક્ષ એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.

રુ એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા

દ્ર એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.

સ્ત્રોત } દિવ્ય ભાસ્કર

મહાદેવ શિવ શંકર


સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમા ના એક માનવા મા આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પુજતા તેમનું પુજન લીંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી   અને તેમના પુત્રો ગણેશ  અને કાર્તિકેય નો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખા નો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન , કાચબો અને પોઠીયો  પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મુરુગન સ્વામિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં હનુમાન અને ગણેશનાં અલાયદા મંદિરો પણ જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું અલાયદુ મંદિર જોવા મળતું નથી કે નથી તો તે શિવાલય (શિવ મંદિર)માં જોવા મળતાં, તેનુ કારણ એ છે કે ગુજરાતમાં કાર્તિકેયની દેવ તરીકે પુજા થતી નથી.ભગવાન દત્તાત્રેય ને કાર્તિકેયનો અવતાર માનવામાં આવતો હોવાથી, તેમના અનુયાયીઓ કાર્તિકેયની પુજા કરતા હોય છે.

ભગવાન શિવનાં મંદીરને શિવાલય અથવા શિવમંદીર કહેવામા આવે છે.અન્ય ભગવાનોનું  સ્થાપન મંદીરોમાં મુર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લીંગ સ્વરૂપે થાય છે.મહાદેવનાં શણગાર તથા પુજાવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો,બીલીપત્ર,રુદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભષ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી  કે વાઘ નું ચામડું હોય છે. પુજાવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રના નાં પાન. શિવને આમ તો મંદીરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ મહાદેવજીની સ્થાપના થાય છે.

શિવાલયની રચના } }

  • શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદીર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાંમનુષ્ય ના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે.
  • શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવ નું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. ‘જે જોયું તે જાય’ એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવ  ની મુર્તિ હોય છે. તે મૂત્યુનાં પ્રતીક રૂપે છે.
  • શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદીરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.
  • શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન , જીભ , હાથ  અને પગ  ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.
  • શિવાલયમાં કાચબાની ડાબીબાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશ નું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્ય માં હોવી જોઈએ. એ રીતે ગણેશ નાં કાન  મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ  પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય  માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે.
  • શિવાલયમાંગણેશ ની ની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણદિશા બાજુ મુખે હનુમાનજી ની  સ્થાપન કરવામાં આવે છે. હનુમાન  બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્ય ને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.
  • શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘ નાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબાજુ વાઘ ના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ  ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે. મનુષ્ય એ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ.
  • શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લીંગની સ્થાપના કરવામા આવે છે. શિવના લીંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લીંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદીરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલીંગ હદય અને આત્માનું પ્રતીક છે.
  • શિવાલયમાં શિવલીંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલીંગની ફરતે ગોળાકાર લીંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલીંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી  ભરીને લીંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી  અને દૂધ નાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ ( દેહમાં રહેલી આંતરચેતના ) દર્શાવે છે. જ્યારે શિવલીંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે.
  • શિવાલયમાં શિવલીંગની બરોબર પાછળ પાર્વતી ની મુર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ  અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિ ના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધા ,નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.

સ્ત્રોત }       વિકિપીડિયા