દિવાળી માટે ઓછા પ્રદૂષણ અને ઓછા ઘોંઘાટવાળા ગ્રીન ફટાકડા વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યા


દિવાળી પર સુપ્રીમ કોર્ટ દ્વારા ઓછા પ્રદૂષણ અને ઓછા ઘોંઘાટવાળા ક્રેકર્સ રાતે 8 થી 10 વાગ્યા સુધી ફોડવાની વાત કરી છે. આવનાર દિવસોમાં વૈજ્ઞાનિકો દ્વારા રીસર્ચ કરેલા ગ્રીન ફટાકડા બજારમાં મળતા થઇ જવાથી આ સમસ્યાનું નિરાકરણ થઇ જશે.
IMG_20181030_085015ગ્રીન ફટાકડા દેખાવ અને અવાજમાં પરંપરાગત ફટાકડા જેવા જ હશે પરંતુ ઓછા અવાજવાળા અને પ્રદુષણવાળા હશે.રાષ્ટ્રીય પર્યાવરણ એન્જીનિયરિંગ સંશોધન સંસ્થા (નીરી). નીરી એક સરકારી સંસ્થા છે જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંસ્થાન પરિષદ (સીએસઆઈઆર) અંડર કાર્યરત છે. નીરીના ચીફ સાયન્ટિસ્ટના કહેવા મુજબ ગ્રીન ફટાકડાંમાંથી નીકળનાર હાનિકારક ગેસ પરંપરાગત ફટાકડાં કરતાં 40 થી 50 ટકા સુધી ઓછો નીકળશે.
IMG_20181030_084941નીરીએ આ ગ્રીન ફટાકડાં માટે STAR (સેફ થર્માઇટ ક્રેકર) ફટાકડા નામ આપવામાં આવ્યું છે. ઓછા એલ્યુમિનિયમ ઉપયોગવાળા ફટાકડાંનું નામ SAFAL (સેફ મિનિમલ એલ્યુમિનિયમ) નામ આપ્યું છે. અન્ય એક ફટાકડાં ની બ્રાંડનું નામ SWAS(સેફ વોટર રીલીઝર) રાખવામાં આવ્યું છે.
ઔદ્યોગિક સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત નવા ફટાકડા, પરંપરાગત ફટાકડા કરતાં 30 ટકા ઓછા પ્રદૂષિત હશે અને 50 ટકા ઓછું સલ્ફર ડાયોક્સાઇડ હશે.
વૈજ્ઞાનિકો છેલ્લા 10 મહિનામાં આ ગ્રીન ફટાકડા પર કામ કરી રહ્યા હતાં અને તેના સંશોધન પાછળ લગભગ રૂ. 65 લાખનો ખર્ચ થવા પામ્યો છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પીઇએસઓ) ની મંજૂર પછી આવનાર દિવસોમાં આ ગ્રીન ફટાકડાં બજારમાં આવી જશે.

વધુ જાણકારી માટે કલિક કરો

‘રા.વન’ ફિલ્મ રીવ્યુ


ફોટો } ગુગલ બ્લોગર મિત્રો  દિવાળી અને નવ વર્ષની દિલથી હાર્દિક શુભેચ્છાઓ . મને ફિલ્મ જોવાનો વાંચવા જેટલો ગાંડો શોખ તો નથી જ પણ ક્યારેક ક્યારેક મનપસંદ ફિલ્મ, હીરો, હિરોઈનની ફિલ્મ હોય તો તે જોવાનું ચુકતો પણ નથી . આ બ્લોગ પર ફિલ્મોની ચર્ચા અને રીવ્યુ જુજ પ્રમાણમાં થાય છે પણ આજે  Ra.One ફિલ્મ ફસ્ટ ડે ફસ્ટ શો વહેલી સવારે ૮ વાગે જોયો અને પૈસા તથા સમય સદુપયોગ થયો તેમ લાગ્યું . મને Ra.One ફિલ્મ ગમી તેથી જ મને લાગ્યું કે મિત્રો સાથે અનુભવ વહેંચવો જોઈએ . ફિલ્મ જગતમાં મોટું પ્રમોશન , મોટી સ્ટારકાસ્ટ , મોટા બેનર હેઠળ બહુ મોટા ધબડકા થતાં હોય છે પણ Ra.One માં એવું નથી . Ra.One માટે શાહરૂખ ખાને જેટલી પ્રમોશન માટે અનુભવ સિન્હાએ  ફિલ્મ બનાવવા માટે કરી છે તેટલી જ ફિલ્મ સારી પણ બની છે .

Ra.One માં શાહરૂખ ખાન, કરીના કપૂર, અર્જુન રામપાલ અને બાલ કલાકાર અરમાન વર્માની એક્ટિંગ સરસ છે . Ra.One માં સ્ટોરી મટીરીયલ ખાસ નથી પણ જોવામાં ક્યાંય સ્ટોરી તૂટતી, ભટકતી  નથી . Ra.One ફિલ્મ શાહરુખ ખાન અને કરીના કપૂરના ચાહકો, વિડીયો ગેમના બંધાણીઓ, મારધાડ ફિલ્મોના શોખીનો માટે જ આ ફિલ્મ છે . ફિલ્મ રસિકોની હોલીવુડ સ્ટાઈલમાં હિન્દી ફિલ્મ જોવાની તરસ Ra.One માં પૂર્ણ થાય છે .

Ra.One ઘણા સારા સોશિયલ મેસેજ છે , જે અન્ય ફિલ્મમાં જોવા મળતાં નથી . Ra.One માં બુરાઈ સામે અચ્છાઈની જીત થાય છે, સિગરેટનું વ્યસન હાનિકારક છે વગેરે વગેરે જોશો તો વધુ મજા આવશે . Ra.One 2D અને 3D માં ઘણા બધા થિયેટરમાં એકસાથે રીલીઝ થઇ છે . Ra.One અમદાવાદમાં જ એક સાથે અલગ અલગ થિયેટરમાં લગભગ ૨૫૦ શોમાં લગભગ ૧૨૫૦૦૦ સિને રસિકો જોઈ શકશે . Ra.One 3D માં અત્યારે બધી જગ્યાએ જોવા મળે તેમ નથી પણ શુક્રવારે અમદાવાદમાં પણ ૫૦ શોમાં માણી શકશે . મેં 2Dમાં જોઈ પણ મારું માનવું છે કે 3D નો મજા વધુ જ હશે . 

Ra.One ફિલ્મમાં શેખર ( શાહરુખ ) તેના ગેમિંગ લવર પ્રતિક ( અરમાન ) માટે વિલન જ જીતી શકે તેવી ગેમ બનાવે છે અને ટેકનીકલ ક્ષતિથી ગેમનો વિલન Ra.One ( અર્જુન રામપાલ ) વાસ્તવિક દુનિયામાં આવી જાય છે અને પછી Ra.One અને G.One વચ્ચે જે લડાઈ થાય છે તેમાંથી ફિલ્મ રચાય છે .

Ra.One માં સ્પોન્સરોનો જબરદસ્ત ઉપયોગ થયો છે . Ra.One માટે શાહરુખે જે રીતે સ્પોન્સરોના બેલેન્સને ખંખેર્યાં છે તેની સામે તેમને ફિલ્મમાં યાદ કરીને વળતર ચૂકવી આપ્યું છે . Ra.One ના સ્પોન્સરમાં હીરો સાયકલ , મેકડોનાલ્ડ , એપલ , કિંગ ફિશર એરલાઈન્સ , ફોક્સવેગન , પ્લે સ્ટેશન  જોવા મળશે . Ra.One માં પણ હિન્દી ફિલ્મોમાં થતી ભૂલો કે દર્શકનો ડફોળ સમજવાની પરંપરા ચાલુ રખાઈ છે . Ra.One માં એક સીનમાં શાહરુખને મૃત્યુ બાદ કોફીનમાં દફનાવા લઇ જવાતો દેખાડાય છે અને બીજા સીનમાં કરીના તેના અસ્થી નદીમાં વિસર્જન કરતી બતાવાય છે , અલ્યા દફનાયા બાદ અસ્થી ક્યાંથી લાવ્યા ?

Ra.One વિશે વધુ જાણવા માટે તેની ઓફિશીયલ વેબસાઈટ http://www.raonemovie.com/ મુલાકાત લો .

Ra.One નો એક શોર્ટ ટેલર ઘણું બધું જણાવી દે છે તે આપ પણ માણો ….

મિત્રો આટલું વાંચી અને જોઈને ફિલ્મ જોવા જવાની ભૂખ ઉઘડી હોય તો ઓનલાઈન કે ઉભા થઇ ફટાફટ ટીકીટ બુક કરાવો કેમકે ફિલ્મ હાઉસ ફૂલ છે એટલે છેલ્લી ક્ષણે જોવા જઈને ફૂલ ના બનવું પડે .

 

દિવાળી એટલે


દિવાળી એટલે ધાર્મિક માન્યતા મુજબ રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તેના માનમાં અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .

આધુનિક મોંઘવારી ભર્યા યુગમાં દિવાળી એટલે દરેક વર્ગ , સમુદાય અને સમાજ અલગ મહત્વ ધરાવે છે . દિવાળી એટલે ગૃહિણીઓ માટે પસ્તીવાળી . વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી ,જગ્યા રોકતી વસ્તુઓ ભંગારમાં , પસ્તીમાં આપવાની મોસમ . દિવાળી એટલે ધાબે ગાદલા તપાડવા, ડબ્બા – પીપડા સાફ કરવા, માળિયા – સ્ટોર રૂમ – કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરવાની મોસમ .

દિવાળી એટલે ખાવાના શોખીનો માટે નાસ્તાવાળી . ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી,  ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ગાંઠિયા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી જેવા ચટાકેદાર નાસ્તા બનાવે . નવા વર્ષે આવનાર મહેમાનો નાસ્તાની મજા માણે અને છેલ્લે મહેમાનો આવવાનું પૂર ઓસરે ત્યારે શ્રીમાનના પેટ પર મોંઘા નાસ્તા પુરા કરવાની ભારે જવાબદારી આવી પડે . ભલેને શ્રીમાનના ગળાની અને પેટની સિસ્ટમ ખોરવાઈ જાય પણ મોંઘવારીમાં મોંઘો નાસ્તો પુરો કરવો જ પડે .

દિવાળી એટલે ફરવાના શોખીનો માટે ફરવાવાળી . ફરવા માટે જોઈએ તો ગુજરાતીઓ જ નહિ પણ માત્ર ને માત્ર ગુજરાતીઓ જ શોખીન , નવરા અને સમૃદ્ધ છે . રાજસ્થાન , દિલ્લી , સિમલા , કુલુમનાલી , કાશ્મીર , સિક્કીમ , મહારાષ્ટ્ર , ગોવા , ઉંટી , કેરલ કે વિશ્વભરમાં ગમે ત્યાં જાવ ગુજરાતી સન્નારી અને સજ્જનો જોવા મળી જ જશે .પર્યટન સ્થળે વેપારીઓ પણ ગુજરાતીઓને વસ્તુઓ વેચવાની કે પહેરવાની ( વધુ કહી ઓછા કરવાની ) ઈસ્ટાઈલ શીખી ગયા છે .

દિવાળી એટલે યુવાનો, બાળકો માટે વેકેશનવાળી અને ફટાકડાવાળી . દિવાળી આવે એટલે બધા હાશકારો અનુભવે . નવરાત્રીનો થાક અને પરીક્ષાનો ત્રાસ દૂર કરવા જ દિવાળી આવે પણ સાથે દિવાળી વેકેશનની મજાની પથારી થોડી ફેરવી નાંખે . દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જાય .

દિવાળી એટલે કંદોઈઓ, ફરસાણવાળા, કલરવાળા માટે કમાવવાવાળી . વરસાદમાં ભલેને ડેમ ના છલકાય પણ આ વેપારીઓના ગલ્લા દિવાળીમાં જરૂર છલકાય છે . વેપારીઓ મોંઘવારીના મથાળા હેઠળ મોંઘી વસ્તુઓ લાલચુ ગ્રાહકોને પહેરાવામાં દિવાળી ધર્મ માને છે . ઘણા ( બધા નહિ ) વેપારીઓ મહિનાઓથી ભેગો કરેલો ખરાબ , ડુપ્લીકેટ , સિન્થેટીક માવો દિવાળીની મીઠાઈઓમાં ઠાલવી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ખાલી કરી નિરાંત અનુભવે છે . મીઠાઇ ખાવાવાળાઓએ જરાક વિચારવું પડે કે દિવાળીના માવા માટે દુધાળા પશુઓ સ્પેશ્યલ કેશમાં વધુ દૂધ આપતાં નથી . રોજ જેટલું દૂધ ઉત્પાદન થાય તેમાંથી મોટો હિસ્સો પીવામાં વપરાઈ જાય છે અને વધે તેમાંથી દૂધની બનાવટો બને છે તો દિવાળીના માવા માટે વધારનું દૂધ કયા ખેતરમાં કે કંપનીમાં બને છે . ફરસાણવાળા પણ ઘણા ( બધા નહિ ) વેપારીઓ મોંઘવારી ઓથા હેઠળ સસ્તા તેલમાં ફરસાણ બનાવી માનવંતા ગ્રાહકોના પેટની અને ગળાની દશા ફેરવવામાં થોડીએ કસર બાકી નથી રાખતાં . કલરના વેપારીઓ , કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે .કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે .

દિવાળી એટલે થોડા ( બહુ જ થોડા ) કર્મચારીઓ માટે મલાઈવાળી . દિવાળી આવે એટલે આ થોડા સરકારી બાબુડીયાઓને સરકારી બોનસ અને વર્ષભરનો હિસાબ ચુકવણીની મોસમ . વર્ષભર જે કર્મચારીઓ પોતાના પૈસે સીંગ નથી ખાઈ શકતા તેઓ પારકા પૈસે બદામના બટુકા બોલાવે છે . 

દિવાળી એટલે  પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, મલાઈવાળી . આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી .

સૌ બ્લોગર મિત્રો અને વાચકોને દિવાળી અને નવ વર્ષની  દિલથી હાર્દિક શુભેચ્છાઓ .

સુવિચાર


ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,

નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,

રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .

યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા , પણ મન ના

બદલાયુ તો એ સ્નાન શું કામનું .

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈમેલ

દિવાળી એટલે ………


દિવાળી એ પ્રકાશનો ઉત્સવ છે .દિવાળી હર્ષોઉલ્લાસ અને મસ્તી નો તહેવાર છે . દિવાળી એ અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ છે .શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો તેના માનમાં પણ અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .સ્કંદપુરાણ મુજબ દેવી શક્તિએ ભગવાન શિવનું અડધુ અંગ મેળવવા માટે ૨૧ દિવસનું વ્રત કર્યું હતું તેનું ફળ તેમને દિવાળીના દિવસે મળ્યું હતું .

આજના સમયે દિવાળીનો અર્થ ધ્વની પ્રદુષણ અને વાયુ પ્રદુષણ થઇ ગયો છે .દિવાળીમાં સલ્ફર ડાયોકસાઈડ નું પ્રમાણ વધી જવાથી વાતાવરણ દુષિત થઇ જાય છે . ધ્વનીનું માન્ય ધોરણ દિવસમાં લગભગ ૫૦ ડેસીબલ અને રાતે ૪૫ ડેસીબલ હોવું જોઈએ પણ દિવાળીમાં આ ધોરણ ૮૦ થી ૧૦૦ ડેસીબલ સુધી પહોંચી જાય છે . પોટેશિયમ નાયટ્રેટ, સલ્ફર અને કાર્બન મિશ્રિત વાળા ફટાકડા બજારમાં ધૂમ વેચાય છે .વધુ અવાજવાળા ફટાકડાથી કાને બહેરાશ પણ આવી શકે છે . મોટા ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી શ્વાસની તકલીફ વાળી બીમાર દમ વગેરે પણ થવાની સંભાવના છે .

દિવાળી વખતે મીઠાઈમાં પણ સિન્થેટીક મીઠાઈ મોટા પાયે વેચાય છે .દિવાળીમાં સિન્થેટીક દૂધ ,માવા , ડુપ્લિકેટ ઘી , સેકરીન વાળી મીઠાઈથી લોકો બીમાર થવાનું પસંદ કરે છે .લોકો દિવાળીમાં મીઠું ઝેર પ્રેમથી ખાય છે . બધી મીઠાઈ ડુપ્લિકેટ જ નથી હોતી પણ મોટા ભાગની હોય છે .રોજ લાખો લીટર દૂધ ગાય, ભેંસ જેવા દૂધાળા પ્રાણીઓ આપે છે જે લાખો લોકો તેનો પીવામાં કે અન્ય રીતે વપરાશ કરી નાંખે છે .આ લાખો લીટરમાંથી બહુ ઓછુ દૂધ વધે છે , તો દિવાળીમાં મીઠાઈ માટે વધારાનું દૂધ ક્યાંથી આવે છે તે જાણવું અને સમજવું જોઈએ . મીઠાઈ સાથે ઘણા નમકીન પણ પામોલીન તેલમાં બનાવામાં આવે છે . જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક માટે છે . નકલી દૂધ બનાવવા માટે યુરિયા, શેમ્પુ ,કોસ્ટીક સોડા, કેમિકલ નો ઉપયોગ થાય છે . આ સિન્થેટિક દૂધની મીઠાઈથી પાચનતંત્ર ખરાબ થઇ જવાની બીમારી થઇ શકે છે .

હવે આપણે વિચારીને અને સમજીને નક્કી કરવું પડશે કે કેવી રીતે આ દિવાળીની ઉજવણી કરીશું ? ? ? ?

બધા બ્લોગ મિત્રો અને બ્લોગ વાચકોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ .

આજથી બ્લોગ પર વેકેશન રહેશે તો કદાચ નિયમિત પોસ્ટ અને કોમેન્ટ મૂકી શકાશે નહી . ચાલો આવજો અને થોડા નાના વિરામ પછી નિયમિત મળીશું . આભાર .