નવાણુંના ચક્કરમાં – બોધકથા


એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .

એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .

આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ ! 

લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

 

મનની એકાગ્રતા


સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .

સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .

છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો .

સાચું ભોજન – બોધકથા


એક છોકરો હતો . તે ગંગાસ્નાન માટે જતો હતો . તેની માતાએ તેને ચાર લાડવા આપ્યા . રસ્તામાં તેને ભૂખ લાગી . લાડવા ખાવા એણે જેવી પોટલી ખોલી કે તરત સામે એક ભિખારી આવી ઊભો .

છોકરાએ એને બે લાડવા આપી દીધા . જયારે એ છોકરો ગંગાસ્નાન કરીને પાછો ઘેર પહોંચ્યો ત્યારે તેની માતાએ પૂછ્યું , ” તને આપેલા લાડવા તેં ખાધાને ? “

બાળકે જવાબ આપ્યો , ” બે લાડવા ખાધાને બે કચરાપેટીમાં નાંખી દીધા !”

” એટલે શું ?”

” મેં ભિખારીને બે લાડવા ખવડાવી દીધા અને બે હું ખાઈ ગયો જ .મેં પોતે ખાધા તે તો કચરાપેટીમાં જ નાંખ્યા કહેવાય ને ?”

અતિથિની સેવા એ ઊંચું કર્તવ્ય છે . પોતાની સંપત્તિનો ઉપભોગ જો પોતે જ કરીએ તો એમાં શી બડાઈ ? ખરી સંપત્તિ એ જ છે કે જે પરમાર્થે વપરાતી હોય .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

ઠંડુ પાણી , કાન અને ફટાકડા – બોધકથા


એક શેઠે ખૂબ ખર્ચ કરીને શ્રીમદ ભાગવત સપ્તાહ કરાવી . કથા આરંભ થતાં પહેલાં સંકલ્પ માટે એમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું . એ વખતે થોડુંક પાણી એમના કાનમાં ગયું તેથી સંભળાતું બંધ થઇ ગયું .

આથી આખી કથા દરમ્યાન તેઓ કેવળ બેઠા જ રહ્યા , કશું સંભળાતું તો હતું નહી એમને ! સપ્તાહને છેલ્લે દિવસે લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા એના ધડાકાથી શેઠજીના કાન ખૂલી ગયા !

 

બધા જ કંઈ ભાગવત કથા સાંભળી શકતા નથી . જેના પુણ્યનો ઉદય થયો હોય તે જ માણસ કથા સાંભળવા પામે છે .

 

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

હાય રાધે ! હાય રાધે ! – બોધકથા


વૃંદાવનમાં ઉડિયા બાબાની સાથે એક પંડિતજી રહેતા હતા . સત્સંગ ચાલતો હોય તે દરમ્યાન તેઓ પોતાના હાથ માથા પર પછાડતાં અને હાય રાધે હાય રાધે એમ મોટેથી બોલતા  રહેતા હતા .

સત્સંગમાં આવનાર સૌ એમ જ માનતા કે આ પંડિતજી રાધાજીના મોટા ભકત છે ને તેથી વારંવાર રાધાજીનું નામ પોકારે   છે , પરંતુ પાછળથી ખબર પડી કે રાધા તો એમની અવસાન પામેલી પત્નીનું નામ હતું !

આમ પંડિતજી બેસતા તો સત્સંગમાં પણ એમનું મન તો મૃત પત્નીમાં જ ચોટેલું રહેતું !

જ્યાં સુધી ભગવાનના ચરણોમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી માણસ સાંસારિક બંધનોમાં જ જકડાયેલો રહે છે .

મન પર જો કાબુ ન હોય તો , માણસ ચાહે ગમે ત્યાં રહે પણ એણે રહેવું પડે છે સદા મનની સાથે ને સાથે .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો