મેકડોનાલ્ડના બર્ગરનો વિશ્વભરના જંકફૂડ રસિકોને ચટકો લગાડનાર રે ક્રોક


મિત્રો આપણે સૌ મેકડોનાલ્ડના નામથી પરિચિત છીએ જ પણ મેકડોનાલ્ડને લોકપ્રિય અને વિશ્વપ્રસિધ્ધ બનાવા પાછળનું ફળદ્રુપ ભેજું રે ક્રોકનું છે . રે ક્રોકની મહેનતથી હેમ બર્ગરનો સ્વાદ વિશ્વભરમાં લોકો ટેસથી માણી રહ્યા છે .રે ક્રોકે ભલે મેકડોનાલ્ડની સ્થાપના નથી કરી પણ આપણા શહેર અને ગલી સુધી લાવવામાં તેમનો જ પ્રયાસ છે .

રે ક્રોકનો જન્મ ૧૯૦૨માં શિકાગોની નજીકમાં એક સમાન્ય મિકેનિકના ઘરે થયો હતો . રે ક્રોકનો પરિવાર સામાન્ય જીવન જીવતો હતો . રે ક્રોકે શરૂથી જ સામાન્ય પરિસ્થિતિઓ જોઈ હતી . રે ક્રોકને બાળપણથી જ ભણવામાં રસ ન હતો . રે ક્રોકે ઉનાળુ વેકેશનમાં નોકરી કરી પૈસા બચાવી તે પૈસામાંથી મિત્રો સાથે ભેગા થઈને સંગીતના સાધનોની દુકાન બનાવી હતી તે તેમના જીવનનું પ્રથમ સાહસ હતું . થોડા સમયમાં તે દુકાન પણ બંધ કરવી પડી હતી . રે ક્રોકે ૧૪ વર્ષની ઉંમરે જ ભણવાનું ત્યજી દીધું હતું .

રે ક્રોકે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન ખોટી જન્મતારીખ લખાવી લશ્કરમાં ભરતી થઈ ગયો પણ યુદ્ધ પૂર્ણ થતાં નોકરી છુટી ગઈ . રે ક્રોકે પેપર કપ બનાવતી કંપનીમાં સેલ્સમેનની નોકરી કરી . પેપર કપ વેચવા તે દુર દુરના શહેરોમાં હોસ્પિટલો , રેસ્ટોરાંમાં ફરી વળતો . રે ને પેપર કપ વેચતા વેચતા આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા એક એન્જિનિયર સાથે સમ્પર્ક થયો . તે એન્જિનિયરને  મલ્ટીમીક્ષર વેચતો જોઈ રેના દિમાગમાં ખ્યાલ આવ્યો કે પેપર કપ કરતા આ મશીન વેચવું યોગ્ય છે .થોડા સમય બાદ રે તે એન્જિનિયર સાથે મલ્ટીમીક્ષર ધંધામાં ભાગીદાર બન્યો . હવે રે મલ્ટીમીક્ષર મશીન વેચવા અલગ અલગ શહેરોમાં ફરતો હતો અને તેણે અલગ અલગ શહેરોમાં પણ મશીન વેચવા માટે એજન્ટ નિમણુંક કર્યા હતા . આ એજન્ટો પણ રેને મોટા ઓર્ડરો આપતાં હતા .

રે એકવાર લોસ એન્જિલસથી દુર સામાન્ય રેસ્ટોરાંમાં ખાસ મુલાકાત લેવાં ગયા . આ રેસ્ટોરાં દેખાવમાં કઇક ખાસ ન હતી . રેસ્ટોરન્ટ માત્ર બસો ચોરસ ફૂટની હતી . રેસ્ટોરન્ટ ભલે નાની અને સામન્ય હતી પણ ત્યાં કસ્ટમરની લાંબી લાંબી લાઈનો લાગતી હતી અને તે લાઈનમાં રે પણ ઉભા રહી ગયા . આ સામાન્ય રેસ્ટોરન્ટનું નામ હતું મેકડોનાલ્ડ .

આ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ તે સમયે મોરીસ અને રીચાર્ડ નામના બે ભાઈઓ ચલાવતા હતા . મેકડોનાલ્ડમાં સસ્તો અને ચટાકેદાર ફૂડ મળતું હોવાથી કસ્ટમરની લાઈનો લાગતી હતી . મેકડોનાલ્ડમાં દર મીનીટે એક બર્ગર તૈયાર થાય તે માટે એસેમ્બલી લાઈન ટેકનીકનો ઉપયોગ થતો હતો . આવી ધમધોકાર રેસ્ટોરન્ટ ચાલતી જોઈ રેના ફળદ્રુપ દિમાગમાં આઈડિયા આવ્યો કે , આની બીજી શાખાઓ શરુ કરવામાં આવેતો વધુ કસ્ટમરને આકર્ષી શકાય અને વધુ નફો કમાઈ શકાય .

રે એ પોતાનો આ ફંડા મેકડોનાલ્ડ ભાઈઓ સમક્ષ રજુ કર્યો . પેલા મેકડોનાલ્ડ ભાઈઓ એક રેસ્ટોરાંમાંથી નવરા પડતા ન હતા ત્યાં બીજી રેસ્ટોરન્ટ કેવી રીતે ખોલવી તે માટે ગૂંચવણમાં હતા . રેએ તેમની ગૂંચવણને સહજતાથી ખોલી આપી . બીજી રેસ્ટોરન્ટ માટેની તમામ વ્યવસ્થા પોતાના શિરે લેવાની તૈયારી બતાવી અને પેલા મેકડોનાલ્ડ ભાઈઓને વાત ગળે અને  દિમાગમાં ઉતરતા તૈયાર થઇ ગયા .

રેએ નવી ફ્રેન્ચાઇઝી માટેના નિયમ અને નીતિ તૈયાર કરી . નવી ફ્રેન્ચાઇઝી માટે ૯૫૦ $ ફી લેવાની અને તેમાંથી ૨૫ % રકમ મેકડોનાલ્ડ ભાઈઓની અને બાકીની રેને મહેનતાણા તરીકે આપવાની . નવી ફ્રેન્ચાઇઝીમાંથી જે વેચાણ થાય તેમાંથી ૨ % ફી લેવાની અને તેમાંથી અડધો ટકો મેકડોનાલ્ડ ભાઈઓને તથા દોઢ ટકો રેને મળે તેવા કરાર નક્કી કરાયા .

રેએ એક જ વર્ષમાં લગભગ ૮ નવી ફ્રેન્ચાઇઝી શરુ કરી દીધી . ૧૯૭૭ સુધીમાં રેએ લગભગ ૪૦૦૦ મેકડોનાલ્ડ વિશ્વભરમાં શરુ કરી હતી . રેની આવી મહેનત જોઈને તેમના સલાહકારો પાસેથી સલાહ મળી કે રેએ પોતે જ મેકડોનાલ્ડ ખરીદી લેવી જોઈએ જેથી મહેનતનું યોગ્ય વળતર મળી શકે . રેએ મેકડોનાલ્ડ ખરીદવા માટેનો પ્રસ્તાવ બે ભાઈઓ સામે મુક્યો . મેકડોનાલ્ડ ભાઈઓએ મેકડોનાલ્ડની કિમંત ૨૭ લાખ ડોલર જેવી અધધધધ અવાસ્તવિક મુલ્ય મૂકી . રે પાસે આટલી મોટી રકમ ન હતી અને વાર્તાલાપ શરુ થયો . સમય જતા કિમંત પણ વધતી ગઈ અને છેવટે સોદો થયો એક કરોડ ચાલીસ લાખ ડોલરની અધધધધ કિમંતે .

રેએ આ ઉંચી કિમંત ચૂકવવા માટે દેવું કર્યું . રેને વિશ્વાસ હતો કે આ દેવું ૧૯૯૧માં ચુકતે થઇ જશે . હવે રેએ વધુ સમય આપીને મેકડોનાલ્ડમાં વધુ કસ્ટમર આવે તેવા પ્રયાસો અને સંશોધન શરુ કર્યા . રેએ બર્ગર બનવાનો સમય અને કસ્ટમરના હાથમાં બર્ગર આવે તે સમયનું બારીકાઈથી અવલોકન કર્યું . રે હંમેંશા ક્વોલીટી માટે ચિંતિતિ રહેતા . રે એ એ સુત્ર અપનાવ્યું હતું . QSCV – Q એટલે ક્વોલીટી , S એટલે સર્વિસ ,C એટલે ક્લીનનેસ , V એટલે વેલ્યુ .

રેની બધીં રેસ્ટોરાંમાં લગભગ ડીઝાઈન અને વાનગી , ટેસ્ટ સમાન જ જોવા મળશે . રે દરેક ફ્રેન્ચાઇઝી પર દુરથી પણ ધ્યાન રાખતા . રે કસ્ટમરની સંખ્યામાં વધઘટનું પણ મૂલ્યાંકન કરતા હતા . રે ૮૧ વર્ષે મુર્ત્યું પામ્યા ત્યાં સુધી મેકડોનાલ્ડ માટે સમર્પિત રહ્યા .

રે ક્રોક વિશે વધુ જાણવા માટે ક્લિક કરો વિકીપીડ્યા પર
મેકડોનાલ્ડના સ્થાપક રીચાર્ડ અને મોરીસ વિશે વધુ વાંચવા માટે ક્લિક કરો વિકિપીડિયા પર
મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટની વધુ રસપ્રદ માહિતી જાણવા માટે ક્લિક કરો વિકિપીડિયા પર