ગુલાબદાસ બ્રોકર

જન્મ ~ ૨૦ સપ્ટેમ્બર ૧૯૦૯, પોરબંદર

મૃત્યુ ~ ૧૦ જુન ૨૦૦૬ , પુણે

ગુલાબદાસ બ્રોકરનો જન્મ પોરબંદર થયો હતો . ગુલાબદાસ નાનપણથી વાંચવાના શોખીન હતા . ગુલાબદાસ નાની ઉંમરેથી જ લાયબ્રેરીમાં વાંચવા જતા અને તેમને ગ્રંથપાલ મયુરભાઇ થાનકી વાંચવા જેવા પુસ્તકો શોધી આપવામાં મદદ કરતા . આમ નાનપણમાં જ બ્રોકર વાંચન તરફ વળ્યા . ગુલાબદાસના પિતાનું તેઓ દશ વર્ષના હતા ત્યારે જ મૃત્યુ થયું હતું .

ગુલાબદાસને કોલેજકાળ દરમ્યાન ડો પાર્કર , નરસિંહરાવ દિવેટિયા પાસેથી ઘણું બધું જાણવા મળ્યું . તેઓ ગુલાબદાસને પ્રેરણા આપતા . ગુલાબદાસને તેમના મામા દેવીદાસે સાહિત્યમાં વધુ રસ કેળવતા કર્યા હતા . ગુલાબદાસ શેક્સપીયર , મોપાસાં , ચેખોવની રચનાઓ ખુબ વાંચતા . ગુલાબદાસના પિતા શેરબજારમાં દલાલ હતા તેથી તેમના મોટા ભાઈએ અટક બદલીને દલાલ કરી હતી .  ગુલાબદાસના લગ્ન ૧૯ વર્ષની ઉંમરે થયા હતા અને તેમની પત્નીનું નામ સુમન હતું . તેઓ લગ્ન બાદ વધુ ભણવા માટે પત્ની સાથે મુંબઈ ગયા હતા . ગુલાબદાસે સ્વતંત્રતા માટેની લડાઈમાં પણ ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા .

ગુલાબદાસે એક દિવસ એક ડોક્ટર અને તેની પત્નીના અનુભવ અને જેલના એક સાથીના અનુભવ પરથી છાનામાને વાર્તા લખીતેને મૂકી દીધી . જેલમાં સૌ પ્રથમ વાર્તા જુના સંસ્કાર લખી હતી . જેલમાંથી છુટ્યા બાદ ત્રણ વર્ષ પછી રામનારાયણ પાઠક મળ્યા ત્યારે તેમને વાર્તા બતાવી અને તેમના સારા પ્રતિભાવ પરથી વધુ લખવા પ્રેરાયા . બ્રોકર શરુઆતમાં કવિતા પણ લખતા અને વાર્તા લખવાની શરૂઆત થતાં કવિતા લખવાનું બંધ થઇ ગયું . બ્રોકરે  વાર્તા કરતા પ્રસ્તાવના વધુ લખી હશે . બ્રોકર તેમની પાસે આવનાર નવા લેખકને પ્રસ્તાવના કે આશીર્વાદ પ્રેમથી લખી આપતા . બ્રોકરે ઘણા બધા પુસ્તકોની પ્રસ્તાવના લખી છે અને સંપાદન કર્યું છે .

 ગુલાબદાસનો ૧૯૩૮માં લતા અને બીજી વાતો નામનો સૌ પ્રથમ વાર્તા સંગ્રહ રામનારાયણ પાઠકની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો હતો . ૧૯૪૦માં વસુંધરા અને બીજી વાતો , ૧૯૪૪માં ઉભીવાટે , ૧૯૫૦માં સુર્યા વાર્તા સંગ્રહ , ૧૯૫૬માં સત્યકથાઓ હરિનો માર્ગ , ૧૯૫૭માં બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ , ૧૯૬૨માં માણસના મન , ૧૯૬૭માં ભીતરના જીવન , ૧૯૯૨માં નાસ્તિક , ૧૯૮૨માં ફુલ ઝરે ગુલમહોર , ૧૯૯૮માં પદ્મા પદ્મિની વાર્તા સંગ્રહો આવ્યા . બ્રોકરે ઘણા બધા વાર્તા સંગ્રહ , મહાનિબંધ , એકાંકી પણ લખતા હતા . બ્રોકરે તેમના જીવન કાળ દરમ્યાન એકપણ નવલકથા લખી નથી .  ગુલાબદાસ એકાંકી લખતા અને રેડિયો વાળાને આપતા અને ધનસુખલાલ મહેતાના કહેવાથી ધ્રુમસેર પરથી નાટક પણ લખવાનું શરુ કર્યું હતું . બ્રોકરે વસંત નામનો કાવ્ય સંગ્રહ પણ લખ્યો હતો . બ્રોકરની વાર્તાનો અંગ્રેજી અનુવાદ of life and love નામના પુસ્તકમાં છપાયો હતો . અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સની નવલકથા ” ધ અમેરિકન  ” નો અનુવાદ પણ ૧૯૬૭માં બ્રોકરે કર્યો હતો . બ્રોકરની પ્રસિદ્ધ વાર્તા નીલીનું ભૂત વાર્તાનો જર્મન ભાષામાં રીચાર્ડ હોફ માને ” nillis gaist ” નામે અનુવાદ કર્યો હતો અને આ વાર્તાનો ૧૯૬૧માં dar vempyr નામના પુસ્તકમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં થયો હતો . ગુલાબદાસને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે . બ્રોકરને પદ્મશ્રીનો એવોર્ડ પણ મળ્યો છે . બ્રોકરને ૧૯૯૯ – ૨૦૦૦નો ગુજરાત સરકારનો એક લાખ રૂપીયાનો નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૦૨માં મળ્યો હતો . 

મારી પસંદગીની કેટલીક વાર્તાઓને ટુંકાણમાં માણો ……………….

 • બ્રોકરની ” જૂની મૈત્રી ” નામની વાર્તામાં બ્રોકરે બે મિત્રો નરોત્તમ અનેમાધવની  વાત કહી છે . બંને મિત્રો શેરબજારમાં વધુ સફળતા અને ધન કમાવવા મુંબઈ આવે છે . મુંબઈમાં કોઈ કારણસર મતભેદ થતાં મિત્રતા તૂટી જાય છે . બંને એક જ ધંધામાં હોવા છતાં વર્ષો સુધી બોલતા નથી . બંને શેરબજારમાં સફળતા પણ મેળવે છે .માધવ પોતાની હોંશિયારીથી વધુ આગળ નીકળી જાય છે અને નરોત્તમ પાછળ રહી જાય છે . એક દિવસ નરોત્તમ ધંધામાં આર્થિક રીતે ફસાઈ જાય છે ત્યારે તેને માધવની યાદ આવે છે . નરોત્તમ અબોલા તોડી માધવને તકલીફ જણાવે છે અને માધવ પણ તેને તકલીફમાંથી બહાર કાઢે છે . આમ વાર્તાને અંતે બંને મિત્રો ભેગા થાય છે અને વાર્તાનું શીર્ષક જૂની મૈત્રી સાર્થક થાય છે .
 • ” કુસુમ કે સુલેખા” વાર્તામાં બ્રોકરે જોરદાર ત્રિકોણ ની વાત કહી છે . વાર્તા વાંચતા વાંચતા ફિલ્મ ચાલતી હોય તેવો રોમાંચનો અનુભવ થાય છે . વાર્તા કુસુમ , શશીકાંત અને સુલેખા વચ્ચેના સંબધોની વાત છે . શશીકાંત અને કુસુમ સાથે ભણતા હતા અને આખો દિવસ સાથે રહેતા હતા . ભણતા ભણતા તે બંને ગાઢ મિત્રો બની જાય છે . બંનેની નાત અલગ હોવા છતાં બંને ના પરિવારને તેમના લગ્ન થાય તેમાં સમંતિ હોય છે . કોલેજની ઘણી છોકરીઓ શશીકાંત સાથે દોસ્તી કરવા તૈયાર રહેતી . એક દિવસ કુસુમે તેની મિત્ર સુલેખાનો પરિચય શશીકાંત સાથે કરાવ્યો . પહેલી જ મુલાકાતથી શશીકાંત સુલેખા તરફ આકર્ષાયો અને વધુ ને વધુ તે તરફ ખેંચાતો ગયો . શશીકાંત અને કુસુમના સંબધો માત્ર સુધી જ હતા . હવે શશીકાંત વધુ સમય સુલેખા સાથે ગાળતો . એકસમયે શશીકાંત અને કુસુમના સંબધો બંધ જેવા થઇ ગયા . શશીકાંત સુલેખા સાથે લગ્નની વાત કરતો ત્યારે સુલેખા વાત ઉડાવી દેતી અને સુલેખા સાથે પણ સંબંધ આગળ જતાં ઓછો થઇ જાય છે અને વાર્તામાં જોરદાર વણાંક આવે છે . શશીકાંત જિંદગીના એવી જગ્યાએ આવી જાય છે કે ત્યાં શું કરવું તે અઘરું બની જાય છે . વાર્તાનો અંત પણ બ્રોકરે જોરદાર મુક્યો છે .
 • બ્રોકરની વાર્તા ” જીવનની મોજ ” માં ટ્રેન કેન્દ્રમાં છે . ટ્રેનમાં રોજ અપડાઉન કરતા શાંતા અને નવીનની વાત છે . તેઓનો સંબંધ ટ્રેનમાં શરુ થાય છે અને પ્રેમમાં પરીવર્તીત થાય છે . આ મિત્રોને સમાજની કોઇપણ સમસ્યા માટે ફિકર નથી . શાંતા અને નવીન વચ્ચે ટ્રેનમાં શું થાય છે તે વાર્તામાં વણી લીધું છે . એજ રીતે બ્રોકરે ટ્રેન ને કેન્દ્રમાં રાખી  ” ગાડીમાં ” વાર્તા આપી છે . આ વાર્તામાં પણ યુવાન મિત્રો વિજય અને જયાના સંબંધો ટ્રેનમાં શરુ થાય છે . સ્ટેશન પરના બાંકડા અને પ્લેટફોર્મ પર તે બન્નેના સંબંધો વધે છે . એ જ રીતે ” ગાંડી ” નામની વાર્તામાં પણ ટ્રેનનો સમાવેશ થયો છે . વાર્તામાં મિત્રો ભેગામળીને ટ્રેનમાં શહેરમાં ફરતી એક સ્ત્રી ગાંડીની ચર્ચા થાય છે . ગાંડીની જીવનગાથા ટ્રેનમાં ચર્ચાય છે . ગાંડી બનેલ લલિતા સાથે તેના જીવનમાં શું થયું હતું તેની ચર્ચા વાર્તામાં સમાવાઈ છે .
 • બ્રોકરે તેમની વાર્તા ” સુનીલા ” માં સુનીલાના સૌન્દર્યનું જે વર્ણન કર્યું છે તે વાંચતા વાચકના મનમાં સુનીલા તરફ આકર્ષણ વધી જાય છે અને વાર્તાને વધુ જાણવાની ઉત્સુકતા વધી જાય છે . વાર્તામાં સુનીલા , અવિનાશ , અશ્વિનની વાત છે . સુનીલાના આગમનથી બંને દોસ્તની જિંદગીમાં શું થાય છે તે વાર્તામાં છે . સુનીલા બંને દોસ્તની દોસ્તી તૂટવાનું કારણ બને છે . વાર્તામાં મુનશીની વાર્તાનો પણ સરસ ઉલ્લેખ કરાયો છે . સુનીલા મુંબઈ જતી રહે છે પછી શું થાય છે તે અંતમાં વાંચવાની મજા આવે તેવું છે . વાર્તા છેલ્લે સુધી અંકબંધ રહે છે .
 • બ્રોકરની ખુબજ પ્રસિદ્ધ વાર્તામાંથી એક ” નીલીનું ભૂત ” છે . વાર્તામાં પાંચ પાત્રો છે અને નીલી મુખ્ય પાત્ર કહી શકાય તેમ છે . નીલી શશી જોડે લગ્નેતર છુપી રીતે લગ્ન કરે છે . શશી નીલીના મૃત્યુ બાદ તેના મિત્રોને નીલી માટે જે રીતે ખોટી વાતો કરે છે અને મિત્રોથી છુટા પડી અંધારામાં નીલીને ભૂત રૂપે જોવે છે . અંધારામાં નીલી વધુ પ્રવેશે છે અને જાણે કે તે ખોટી વાતોનો બદલો લેવા આવી હોય તેમ વાર્તામાં આવે છે . વાર્તા રોમાંચ અનુભવ કરાવે તેવી છે .
 • બ્રોકરની ” નવા કાલિદાસ ” વાર્તા પણ હાસ્ય ઉપજાવે તેવી છે . વાર્તામાં કાલિદાસ શેઠની વાત છે . બ્રોકરે સ્ત્રી પાત્રો પર પણ ઘણી વાર્તા લખી છે . મા પાત્રને અનુસરીને પણ વાર્તાઓ લખી છે .”માનો જીવ ” , ” મા અને દીકરી ” , ” બા ” વાર્તા વાંચતા કરુણ ભાવ ઉભો થાય તેવી વાર્તાઓ છે . વાર્તામાં માનું મહત્તવ , માની વ્યથા , લાગણીઓની વાત કહી છે . બ્રોકરે ” જુનું અને નવું ” વાર્તામાં રામકોટ ડોસી આધુનિક સમાજમાં કેવી રીતે ફસાય છે અને આધુનિક સમાજની સંસ્ક્રુતિનો સ્વીકાર નથી કરી સકતી અને તેનું શું થાય છે તે વાર્તામાં વર્ણવ્યું છે .

બ્રોકરની વાર્તાઓમાં શરૂથી અંત સુધી વાચક બંધાઈ રહેતો હોય છે . વાચક વાર્તા વાંચતા વાંચતા વિચારે પણ ચડી જાય તેવી વાર્તાઓ પણ છે . બ્રોકરે સમાજના ઘણા બધા વિષયો અને પાત્રોને અનુલક્ષીને વાર્તા લખી છે . બ્રોકરની વાર્તાઓના નાયક અને નાયિકા પણ યાદગાર બની જાય તેવા છે . 

બ્રોકરે પ્રભુનો પાડ , દળી દળીને , એક પ્રણય કથા , ધ્રુમેસર , નરહરીજી , ગુલામબદીન ગાડી વાળો , મુંબઈ નગરી , પંડિતજી , માણસના મન , રૂપ , સરગમ , એક રાત , ઇન્ટરવ્યું જેવી ઘણી બધી યાદગાર વાર્તાઓ આપણને માણવા આપી છે .

સ્ત્રોત } ગુલાબદાસ બ્રોકરના પુસ્તકોની પ્રસ્તાવનામાંથી સાભાર

ગુલાબદાસ અધ્યયન  ગ્રંથ  – સંપાદન > અસ્મા માંકડ

બ્રોકરની વાર્તાકળા – લેખક > રતિલાલ રોહિત

ફોટો સ્ત્રોત } ગુજરાતી સાહિત્ય પરિષદ

Advertisements

10 thoughts on “વાર્તાના શેરબજારમાં કાયમી સુગંધ ફેલાવનાર વાર્તાકાર એટલે “ગુલાબદાસ બ્રોકર’

 1. સાહિત્યમાં ‘બ્રોકર’ અને ‘દલાલ’ થી તો ‘શેર’-બજાર હમેશાં તંદુરસ્ત રહેલું છે.

  રૂપેનભાઈ, તેમના વિશે તમે સારી એવી જ્ઞાન-વર્ધક માહિતી આપી છે. આભાર.

 2. સરસ વિગત ભરેલો લેખ ગમ્યો,એમના ઘર સામે વિમાન ઉતરી પડ્યું’તું ત્યારે હું મુબઈ હતો અને તે પહેલાં તેમના વિલેપાર્લાના ઘેર મળવા પણ જતો,સરસ યાદ તાજી કરાવી તમે રુપેનભાઈ-આભાર.

 3. અમારા પોરબંદર ના પનોતા પુત્ર આદરણીય ગુલાબદાસ બ્રોકર ની ઘણી સરસ બાબતોની માહિતી ખુબજ ગમી ..પોરબંદરમાં વર્તમાન સાહિત્ય ના વૃક્ષ એવા મુરબ્બી શ્રી નરોતમભાઈ પલાણ પાસે એમની યાદો ઘણીવાર તાજી કરી ભાવસુમન અર્પણ કરીએ છીએ ..આપની પોસ્ટ હટકે બની રહે છે…ખુબ ગમે છે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s