ઝવેરચંદ મેઘાણી (મોર બની થનગાટ કરે)


મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.


ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તળે હરિયાળી પરે,
મારો આતમ લ્હેર-બિછાત કરે,
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઈ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે.
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે !
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !
મન મોર બની થનગાટ કરે.

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે !
એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઈ રહી,
એને ઘર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે !
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે.

મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદી પૂર જાણે વનરાજ ગુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.

આભાર સ્ત્રોત – wikisource: વિકિસ્રોત

ઝવેરચંદ મેઘાણી (લાગ્યો કસુંબીનો રંગ)


રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

આભાર સ્ત્રોત – wikisource: વિકિસ્રોત

ઝવેરચંદ મેઘાણી – અનુવાદઃ(માં -રવિન્દ્રનાથ ટાગોર)


કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

આભાર સ્ત્રોત – wikisource: વિકિસ્રોત

ઝવેરચંદ મેઘાણી (ચારણ કન્યા )


સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

માં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમંદર ગરજે !


ક્યાં ક્યાં ગરજે


બાવળના જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ઉગમણો, આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે


થર થર કાંપે


વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડા કાંપે

ઝાડ તણાં પાંદલડા કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે


આંખ ઝબૂકે !


કેવી એની આંખ ઝબૂકે

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે


જડબાં ફાડે !


ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઉઘાડે !

જમરાજાનું દ્વાર ઉઘાડે !

પૃથ્વીનું પાતાળ ઉઘાડે !

બરછી સરખા દાંત બતાવે

લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે


બહાદુર ઊઠે !


બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે !

જાણે આભ મિનારા ઊઠે !


ઊભો રે‘જે


ત્રાડ પડી કે ઊભો રે‘જે !

ગીરના કુત્તા ઊભો રે‘જે !

કાયર દુત્તા ઊભો રે‘જે !

પેટભરા ! તું ઊભો રે‘જે !

ભૂખમરા ! તું ઊભો રે‘જે !

ચોર-લૂંટારા ઊતો રે‘જે !

ગા-ગોઝારા ઊભો રે‘જે !


ચારણ કન્યા


ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હિંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘૂમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા


ભયથી ભાગ્યો !


સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો !

આભાર સ્ત્રોત – wikisource: વિકિસ્રોત

ઝવેરચંદ મેઘાણીઓગસ્ટ ૨૮ ,૧૮૯૬  – માર્ચ  ૯ ,૧૯૪૭

ઝવેરચંદ મેધાણીની રચનાઓ

• ડોશીની વાતો – લોકકથા – ૧૯૨૩
• સૌરાષ્ટ્રની રસધાર ૧ – લોકકથા – ૧૯૨૩
• સૌરાષ્ટ્રની રસધાર ૨ – લોકકથા – ૧૯૨૪
• સૌરાષ્ટ્રની રસધાર ૩ – લોકકથા – ૧૯૨૫
• સૌરાષ્ટ્રની રસધાર ૪ – લોકકથા – ૧૯૨૬
• સૌરાષ્ટ્રની રસધાર ૫ – લોકકથા – ૧૯૨૭
• સોરઠી બાહરવટીયાં ૧ – લોકકથા – ૧૯૨૭
• સોરઠી બાહરવટીયાં ૨ – લોકકથા – ૧૯૨૮
• સોરઠી બાહરવટીયાં ૩ – લોકકથા – ૧૯૨૯
• કંકાવટી ૧ – લોકકથા – ૧૯૨૭
• કંકાવટી ૨ – લોકકથા – ૧૯૨૮
• દાદાજીની વાતો – લોકકથા – ૧૯૨૭
• સોરઠી સંતો – લોકકથા – ૧૯૨૮
• સોરઠી ગીતકથાઓ – લોકકથા – ૧૯૩૧
• પુરાતન જ્યોત – લોકકથા – ૧૯૩૮
• રંગ છે બારોટ – લોકકથા – ૧૯૪૫

• રઢીયાળી રાત ૧ – લોકગીતો – ૧૯૨૫
• રઢીયાળી રાત ૨ – લોકગીતો – ૧૯૨૫
• રઢીયાળી રાત ૩ – લોકગીતો – ૧૯૨૭
• રઢીયાળી રાત ૪ – લોકગીતો – ૧૯૪૨
• ચુંદડી ૧ – લોકગીતો – ૧૯૨૮
• ચુંદડી ૨ – લોકગીતો – ૧૯૨૯
• ઋતુગીતો – લોકગીતો – ૧૯૨૯
• હાલરડાં – લોકગીતો – ૧૯૨૯
• સોરઠી સંતવાણી – લોકગીતો – ૧૯૪૭
• સોરઠીયા દુહા – લોકગીતો – ૧૯૪૭

• રાણો પ્રતાપ – નાટક (ભાષાંતર) – ૧૯૨૩
• રાજા રાણી – નાટક – ૧૯૨૪
• શાહજહાંન – નાટક (ભાષાંતર) – ૧૯૨૭
• વંઠેલાં – નાટક – ૧૯૩૩

• નરવિર લાલાજી – જીવનચરિત્ર – ૧૯૨૭
• સત્યવીર શ્રધ્ધાનંદ – જીવનચરિત્ર – ૧૯૨૭
• ઠક્કર બાપા – જીવનચરિત્ર – ૧૯૩૯
• અકબરની યાદમાં – જીવનચરિત્ર – ૧૯૪૨
• આપણું ઘર – જીવનચરિત્ર – ૧૯૪૨
• પાંચ વરસનાં પંખીડાં – જીવનચરિત્ર – ૧૯૪૨
• મરેલાનાં રુધીર – જીવનચરિત્ર – ૧૯૪૨
• આપણાં ઘરની વધુ વાતો – જીવનચરિત્ર – ૧૯૪૩
• દયાનંદ સરસવતી – જીવનચરિત્ર – ૧૯૪૪
• માણસાઈનાં દીવા – જીવનચરિત્ર – ૧૯૪૫

• સત્યની શોધમાં – નવલકથા – ૧૯૩૨
• નિરંજન – નવલકથા – ૧૯૩૬
• વસુંધરાનાં વ્હાલાં દવલાં – નવલકથા – ૧૯૩૭
• સોરઠ તારાં વહેતાં પાણી – નવલકથા – ૧૯૩૭
• સમરાંગણ – નવલકથા – ૧૯૩૮
• અપરાધી – નવલકથા – ૧૯૩૮
• વેવીશાળ – નવલકથા – ૧૯૩૯
• રા ગંગાજળીયો – નવલકથા – ૧૯૩૯
• બિડેલાં દ્વાર – નવલકથા – ૧૯૩૯
• ગુજરાતનો જય ૧ – નવલકથા – ૧૯૪૦
• તુલસી ક્યારો – નવલકથા – ૧૯૪૦
• ગુજરાતનો જય ૨ – નવલકથા – ૧૯૪૨
• પ્રભુ પધાર્યા – નવલકથા – ૧૯૪૩
• કાલચક્ર – નવલકથા – ૧૯૪૭

• વેણીનાં ફુલ – કવિતાસંગ્રહ – ૧૯૨૮
• કિલ્લોલ – કવિતાસંગ્રહ – ૧૯૩૦
• સિંધુડો – કવિતાસંગ્રહ – ૧૯૩૦
• યુગવંદનાં – કવિતાસંગ્રહ – ૧૯૩૫
• એકતારો – કવિતાસંગ્રહ – ૧૯૪૦
• બાપુનાં પારણાં – કવિતાસંગ્રહ – ૧૯૪૩
• રવિંદ્રવીણા – કવિતાસંગ્રહ – ૧૯૪૪

• કુરબાનીની કથાઓ – લઘુકથા – ૧૯૨૨
• ચિતાનાં અંગારા ૧ – લઘુકથા – ૧૯૩૧
• ચિતાનાં અંગારા ૨ – લઘુકથા – ૧૯૩૨
• જેલ ઓફીસની બારી – લઘુકથા – ૧૯૩૪
• દરીયાપારનાં બાહરવટીયાં – લઘુકથા – ૧૯૩૨
• પ્રતિમાંઓ – લઘુકથા – ૧૯૩૪
• પલકારા – લઘુકથા – ૧૯૩૫
• ધુપ છાયા – લઘુકથા – ૧૯૩૫
• મેઘાણીની નવલીકોઓ ૧, ૨ – લઘુકથા – ૧૯૪૨
• વિલોપન – લઘુકથા – ૧૯૪૬

• લોકસાહિત્ય ૧ – લોકસાહિત્ય – ૧૯૩૯
• પગડંડીનો પંથ – લોકસાહિત્ય – ૧૯૪૨
• ચારણો અને ચારણી સાહિત્ય – લોકસાહિત્ય – ૧૯૪૩
• ધરતીનું ધાવણ – લોકસાહિત્ય – ૧૯૪૪
• લોકસાહિત્યનું સમાલોચન – લોકસાહિત્ય – ૧૯૪૬

• સૌરાષ્ટ્રનાં ખંડરોમાં – પ્રવાસ ભાષણ- ૧૯૨૮
• સોરઠને તીરે તીરે – પ્રવાસ ભાષણ- ૧૯૩૩
• પરકમ્મા – પ્રવાસ ભાષણ- ૧૯૪૬
• છેલ્લું પ્રયાણ – પ્રવાસ ભાષણ- ૧૯૪૭

• સળગતું આયર્લૅંડ
• ઍશીયાનું કલંક

ગુજરાતી સાહિત્‍ય સભાએ તેમને પ્રથમ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કર્યો હતો.ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.


પરિચય
નામ ઝવેરચંદ મેઘાણી
જન્મ

૧૭-૦૮-૧૮૯૭
ચોટીલા , સુરેન્દ્રનગર , ગુજરાત
મૃત્યુ

૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ , ભાવનગર , ગુજરાત
વ્યવસાય સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું


ઝવેરચંદ મેઘાણી ને વધુ જાણવા માટે અહી ક્લિક કરો